Total Pageviews

Wednesday 9 April 2014

વસુધૈવ કુટુંબક્મની ભાવનામાં ગુજરાતી હૈયુ ધડકે અમેરીકામાં



ચૌદ વર્ષ પહેલાં પત્ની જ્યોતિ સાથે ત્રણ મહિના માટે અમેરિકાના સાહિત્ય-કાવ્યપઠન પ્રવાસે જવાનું થયું ત્યારે ‘નાઈન-ઈલેવન’
ની ઘટના અને વૈશ્વિક આર્થિક મંદીના વિકટ અનુભવોમાંથી અમેરિકા હજી પસાર થયું નહોતું. એ યક્ષ દેશનો મેં જે ચહેરો જોયો હતો
તે સંપૂર્ણપણે સ્વાભાવિક અને સ્વસ્થ હતો. બધું જ રાબેતા મુજબનું વરતાતું હતું. પ્રવાસે જતાં પહેલાં એક મિત્રે કહ્યું હતું કે પ્રત્યેક બાબતમાં
 સ્ટેન્ડર્ડાઈઝેશન એ અમેરિકાની મુખ્ય ઓળખ પૈકીની એક છે. અમેરિકાને પ્રત્યક્ષ જોયું ત્યારે એ નિરીક્ષણ સર્વથા સાચું લાગ્યું. પ્રત્યેક વસ્તુ
 ચોક્કસ ધોરણસરની. ન તેમાં વધારો કે ઘટાડો, ન કશું ઊંચા-નીચાપણું.

એ જ તોતિંગ હાઉસીસ, એ જ હીટિંગ સિસ્ટમ, એ જ મોટરગાડીઓની અંતહીન વણજાર, એ જ નિયમિતતા, એ જ શિસ્ત, એ જ યાંત્રિકતા,
 એ જ ગૃહોપયોગી ઉપકરણોની ભરમાર, એ જ કાર્પેટ, એ જ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, એ જ કોલાહલની અલ્પતા, એ જ વ્યવસ્થિતપણું, એ જ
 વસ્ત્રપરિધાન, એ જ ચોક્કસ ખાણીપીણીની વાનગીઓ, એ જ એક પ્રકારની અવ્યાખ્યેય ગંધ, એ જ સમુદ્રતટો અને તેના પરની માણસોની
 ભીડ, એ જ અખબારોના થોકડાઓ, એ જ ડિસ્કાઉન્ટની જાહેરખબરોના ઢગલા, એ જ ગૃહિણીઓ, કશું ક્યાંય અલગ ન વર્તાય. વિહારધામોનું
 એ જ વ્યાવસાયિક આયોજન. માનવકતારો પણ એ જ. ક્યારેક જ શ્યામ-સુંદર લોકો દ્વારા વહી આવતા ધમાલિયા સંગીતના સૂરો. નોકરીની
 એ જ અસ્થિતા, વૈશ્વિક મંદી ન હોવા છતાં મારા મુખ્ય યજમાનને ત્રણ મહિનામાં ત્રણ નોકરીઓ બદલવી પડી હતી – કુશળ અને અનુભવી
 તબીબ હોવા છતાં. રસ્તાઓ પર ક્યાંય ધૂળ કે ચિઠ્ઠી-ચબરખી તો ઠીક, ગાંધી-કરિયાણાની એકાદી હાટડીયે જોવા ન મળે. લોકોના શરીરના
વર્ણૉમાં ખાસ્સું વૈવિધ્ય. ગોરા તો ખરા જ, કાળા, ઘઉંવર્ણા અને પીળા પણ ખરા. તે સિવાય વિશેષ અનુભવ સાર્વત્રિક એકવિધતાનો. એમાંથી
નીરસતા કેમ ન જન્મી શકે ? અમેરિકનો બધાથી-જીવનસાથીઓથી પણ જલદી ઉબાઈ જાય છે તેનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે.

મારે ત્રણ મહિનામાં તો અધઝાઝેરો સંપર્ક ગુજરાતીઓનો જ થયો. અપવાદરૂપ એક પ્રૌઢ અમેરિકન મહિલા અમને તેને ઘેર લઈ ગઈ હતી તે.
પ્રૌઢ વયે પણ પૂરો તરવરાટ. એનું ઘર જાણે ખાડામાં હતું. ટેકરા પરથી એણે જે રીતે કારની ડાઈ મારી તે અમારા હૃદય-ધબકાર વધારી દેવા
માટે પૂરતી હતી. તેણે નિખાલસતાથી કહ્યું : ‘મેં બે વાર લગ્ન કર્યાં છે. ઘરમાં છે તે મારો બીજો પતિ છે.’ પતિ મહાશય રસોડામાંથી અમારે
માટે જ્યુસના પ્યાલાઓ લઈ આવ્યા અને પાછા કિચનમાં ભરાઈ ગયા. પેલી સ્ત્રીએ અટ્ટહાસ્ય કરીને કહ્યું : ‘મારો પહેલો વર ક્યારેય અમારા
 કિચનમાં આવતો નહોતો અને આ વર કદી પણ કિચનની બહાર જ જતો નથી !’ અમેરિકાના વિલક્ષણ દામ્પત્યની આ તો માત્ર એક આછેરી
 ઝલક.

મારું મોટું સદભાગ્ય એ કે હું અમેરિકામાં સંપૂર્ણપણે ગુજરાતીઓને આધારે હર્યો-ફર્યો-રહ્યો. સાંઠથી પાંસઠ કુટુંબોમાં જવાનું થયું. એ બધાં જ ગુજરાતીઓનાં.
 ત્યાં પણ સર્વત્ર સ્ટેન્ડર્ડાઈઝેશનનો પ્રભાવ જોવા મળ્યો. છતાં ખાસ્સું ગુજરાતીપણું જળવાઈ રહેલું પણ અનુભવ્યું. અને એ અનુભવ ધન્યકર્તા હતો.
 ખાદ્ય વાનગીઓની વાત કરીએ તો કોઈ કોઈ વાર અમેરિકન રેસ્ટોરાંમાં જવાનું થયું ત્યારે એ જ પિઝા, બર્ગર, તાકોસ અને કોક. એની સરખામણીમાં
 ગુજરાતી ઘરોમાં તો શુદ્ધ દેશી ગુજરાતી વાનગીઓના વૈવિધ્યસભર રસથાળ. કોઈ ગુજરાતી વાનગીનું નામ બોલો અને તે અમેરિકામાં ગુજરાતીઓના
 ભોજનમેજ દ્વારા અમારાં જીભ અને ઉદર સુધી ન પહોંચી હોય એવું કદી બન્યું જ નહીં. આ વાનગીઓ દ્વારા ગુજરાત અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ
 વચ્ચે કશોક અસલ સેતુ રચાયો હોવાની મારી પ્રબળ પ્રતીતિ રહી. ‘માણસનાં જીભ અને પેટ દ્વારા તેના હૃદય સુધી પહોંચી શકાય છે’ એ ઉક્તિની જાણે
 મને વિલક્ષણ અનુભૂતિ થઈ. અમેરિકામાં ગુજરાતીઓની એકાધિક પેઢીઓ હવે તો સ્થિર થઈ છે. પ્રત્યેક પેઢીનો જીવન અભિગમ જુદો. જેને ફર્સ્ટ અને સેકન્ડ
 જનરેશન કહેવામાં આવે છે ત્યાં સુધી તેઓમાં ગુજરાતીતા ઘણે અંશે જળવાઈ રહેલી લાગે. પ્રશ્ન તે પછીની પેઢીનો છે. તેનું ઘણું અમેરિકીકરણ થયું છે.
ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે તે ખાસ અભિમુખ વરતાતી નથી. અમેરિકન તરુણ-તરુણીઓની જેમ આ પેઢીનાં ગુજરાતી સંતાનો પણ માતા-પિતાથી
 અલગ થઈને ભણે છે. આંતરજાતીય તો ઠીક, આંતરરાષ્ટ્રીય લગ્નો અને તે પછી ક્યારેક સર્જાતા વિચ્છેદની પણ તેઓમાં નવાઈ નથી. એક જ કુટુંબમાં
મા-બાપ ગુજરાતી અને તેના પુત્ર-પુત્રીઓ અમેરિકન કે સ્પેનિશ જીવનસાથી પસંદ કરી ચૂક્યાં હોય તે સહજ લાગે.

ત્યાંની અગાઉની અને મધ્ય પેઢીનાં ગુજરાતી સ્ત્રી-પુરુષો ગુજરાતીતાને ટકાવી રાખવા માટે સજાગ અને પ્રયત્નશીલ ખરાં જ. તે વિના ગુજરાતી
 લેખકો-કવિઓ-કથાકારો-લોકગાયક-ગાયિકાઓ-નાટકો વગેરેને મોટો ખર્ચ કરીને શા માટે અમેરિકા નિમંત્રે ? કેટલાંક હિન્દુ મંદિરોમાં ગુજરાતીઓની ઊછરતી
 પેઢીનાં બાળકો માટે ગુજરાતી ભાષાના શિક્ષણવર્ગો પણ નિયમિત રીતે ચાલે છે. ગુજરાતીઓના સામાજિક અને ધાર્મિક ઉત્સવો જોઈને તો કોઈને પણ ગુજરાત
જ પ્રત્યક્ષ થતું લાગે. ગુજરાતીઓ હવે અમેરિકાનાં રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી ઈત્યાદિ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ અને ઊંચે વધ્યા છે. એ હકીકત તો
સુનિતા વિલિયમ્સ જેવી ગુજરાતણ અવકાશયાત્રીના ઉદાહરણ પરથી પણ સમજી અને સ્વીકારી શકાય. અમેરિકામાં ગુજરાતીઓની લોબી હજી કદાચ યહૂદીઓની
 લોબી જેટલી શક્તિશાળી નહીં હોય, પણ ઉત્તરોત્તર તે પ્રબળ અને પ્રભાવશાળી બની જ રહી છે.

વર્કિંગ વુમન ન હોય તેવી ગુજરાતી ગૃહિણીઓ મને ત્યાં ભાગ્યે જ જોવા મળી. પણ, જે સૌપ્રથમ મળી તે ઘરકામના બોજથી કચડાઈ ગયેલી હતી. ઘરકામ માટે
નોકર-ચાકર રાખવાની પ્રથા ત્યાં નહીંવત. માત્ર યંત્રોનો સહારો. છતાં નિતાંત ગૃહિણીઓને તો તે પણ વસમું લાગે. ગુજરાતી સાહિત્યની તાજામાં તાજી ગદ્ય-પદ્ય
રચનાઓથી સુપરિચિત હોય એવાં ગુજરાતી સ્ત્રી-પુરુષોનો અવારનવાર ભેટો થયો તે અનુભવ સંતોષજનક. સાન ડિયેગોની એક હોટેલના ત્રીસમા માળે બેસીને
ગુજરાતી સજ્જને અમને ‘કુમાર’ના તાજા અંકની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો ત્યારે મને એક વિશિષ્ટ પ્રકારની ઊંચાઈનો અનુભવ થયો હતો. અમારા યજમાને
અમને અમેરિકાના પ્રવાસે મોકલતાં પહેલાં ચેતવણી આપી હતી : ‘કાર્યક્રમોમાં તમને ક્યાંક ચારસો અને ક્યાંક પાંચ-સાત શ્રોતાઓ પણ મળશે. માનસિક તૈયારી
રાખજો.’ અમને બંને અનુભવ થયા. એક સભામાં માત્ર પાંચ-સાત શ્રોતાઓ જ નહોતા, તેઓ બધાને મારે ગુજરાતી ભાષાસાહિત્યનો પ્રાથમિક પરિચય પણ કરાવવો
 પડ્યો.

અમેરિકાનાં નાયગરા ધોધ કે ડિઝનીલેન્ડ જેવાં પ્રવાસધામો વિશે એટલું બધું લખાયું ને વંચાયું છે કે અહીં કંઈ પણ લખવું એ પુનરાવર્તન થાય. પણ, નાયગરાના
 સાંનિધ્યમાં મને હિમાલયના કેદારનાથના યાત્રાધામની ભરપૂર યાદ આવી અને મન બંને વચ્ચે સરખામણી કરતું રહ્યું. તે સાથે એવી પ્રતીતિ થઈ કે નાયગરા જો
અમેરિકી ભવ્યતાનું પ્રતીક છે તો હિમાલય ભારતની વિરાટતાનું જ્વલંત પ્રતિનિધિત્વ કરે છે. હિમાલયદર્શનની અધ્યાત્મ-અનુભૂતિ મારે નાયગરામાં શોધવી પડી.
ત્રણ મહિનાના અંતિમ દિવસો જ્યારે હોમ-સિકનેસના તરફડાટથી ભરાઈ ગયા ત્યારે બધી ચમકદમકની પડછે વતન-ઝુરાપાને ખાળવાનું અશક્ય જ હતું. મુંબઈ એરપોર્ટના
 ગેન્ગ વેમાંથી પસાર થતાં મેં નીચા નમીને વતનની ધૂળ માથે ચઢાવી ત્યારે સદૈવ કાળજી રાખતી મારી પત્નીએ પાછળથી સચિંત સ્વરે પૂછ્યું, ‘તમારું કંઈ પડી ગયું ?’
 મેં ભીના સ્વરે જવાબ આપ્યો : ‘જે પડી ગયું હતું તે મેં પાછું લઈ લીધું.’

ઘણી વાર ગંદું, ગોબરું, કોલાહલિયું, અરાજકતાપૂર્ણ, ભ્રષ્ટાચારથી ખદબદતું, ભેળસેળથી છલકાતું, આંતરકલહમાં ખૂંપેલું, કેટલીક રીતે દરિદ્ર ભારત પણ કદી કદી
 અણગમો પ્રેરે છે. પરંતુ ઈસ્ત્રી ટાઈટ કપડાં જેવું, યાંત્રિક, બીબાઢાળ, ધોરણીકરણના અતિરેકમાં ખદબદતું, મેકઅપ કરેલા શરીર જેવું, કોસ્મેટિક્સમાં ઓતપ્રોત એવું
અમેરિકા જે એકવિધતા અને તેમાંથી સર્જાતી ઉબાઉ નીરસતાનો અનુભવ કરાવે તે આપણને સહજ, સ્વાભાવિક મનુષ્યત્વથી દૂર ધકેલતું લાગે.

તો વળી બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. ફલોરિડા એરપોર્ટ પર જવા માટે અમે મોટેલમાંથી નીકળ્યાં ત્યારે એક અમેરિકન યુવતી મળી. તેના હાથમાં તેડેલા
 બાળક તરફ મારું ધ્યાન ખેંચાયું. મારામાંનો પત્રકાર જીવ સળવળ્યો. મેં તે યુવતી સાથે વાત શરૂ કરી. તેણે કહ્યું, ‘આ બાળક મારા હિન્દુ પતિનું છે. અમે છૂટાછેડા
 લઈ લીધા છે. પણ જો હું બીજી વાર લગ્ન કરીશ તો પણ કોઈ હિન્દુ યુવાન સાથે જ કરીશ, કારણ કે મને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં બહુ શ્રદ્ધા છે !’

આ પણ છે અમેરિકાનો એક અલગ ચહેરો !



આ પૂરપાટ દોડતી ગાડીઓ, ચોતરફ કુદરતી લીલીછમ વાદીઓ
આભેથી વરસે હીરકણ, દૂર-દૂર સુધી હિમવર્ષામાં ઊભી સુંદર અતિશ્ર્વેત સમાધિઓ
ન્યૂયોર્કની સ્કાયલાઇન, વિકાસનું પ્રતિબિંબ, ગુમાનમાં ગગન ચુંબતી અગાશીઓ
રાતે સૂરજ થવા મથતી, રોજ દિવાળી ઉજવતી, ઊચી ઊચી લંબાતી પ્રકાશ રાશીઓ

તાજા શાક ને રંગ-બેરંગી મીઠા ફળ સ્ટ્રોબેરી, રાસબેરી ને રસઝરતા પાઇનેપલ-એપલ
ડેફોડીલ્સ સાથે રમતાં તુલીપ, રંગભરી ઉભરાતી નમણી ફૂલોની ક્યારીઓ
સમરમાં આખુ અમેરીકા રોઝ ગાર્ડન, નીતરે સુંદરતા, મનભરી રંગોને માણજો
વિન્ટરમાં આખુ અમેરીકા મારૂ ફ્રિજ, ડીનરના લેફ્ટોવરની ચિંતા જરાય ના રાખશો

સાદગીના પાઠ ના સાદા રહ્યા નર્યા દંભમાં, સહેલુ છે લખવુ “સ્વાશ્રય” વિષે નિબંધમાં,
પોતાનુ કામ જાતે કરવુ શોભે ગાંધીજીને, ભારતમાં સગવડ ઉપલબ્ધ સગવડીયા ગુમાનમાં,
જાતે ગ્રોસરી, જાતે પ્રેમે રાંધવુ, જાતે ચોખ્ખુ ઘર રાખવું, શીખ મોટી મળી સુખી અમેરીકામાં,
ના જરાય શરમ કે સંકોચ પણ કર સ્વાભિમાન, વાસણ-વેક્યુમ -લોન્ડ્રી જાતે કરવામાં

વસીએ દૂર વતનથી, ભારતમાં “વિદેશી” અને “દેસી” ગણાવુ અમેરીકામાં,
વધારીએ ગૌરવ ભારતનું બીજા દેશમાં અને સમાઈએ ભારતમાતાના પાલવમાં,
થવું ગૌરવ બેય દેશના, વફાદાર માણસજાતના, અમે નાગરિક આખા વિશ્વના
હા અમે NRI, વસુધૈવ કુટુંબક્મની ભાવનામાં ગુજરાતી હૈયુ ધડકે અમેરીકામાં

No comments:

Post a Comment