Total Pageviews

Friday 4 July 2014

દુનિયામાં આજે છે એવું બધું કઈ રીતે ગોઠવાયું હશે ? – ડૉ.આઈ. કે. વીજળીવાળા

દુનિયામાં આજે છે એવું બધું કઈ રીતે ગોઠવાયું હશે ? – ડૉ.આઈ. કે. વીજળીવાળા

['ટપાકો અને જાદુઈ ચંપલ' માંથી સાભાર. 
Image (26) (393x640)દુનિયામાં જયારે દિવસ, રાત, સવાર, સાંજ કે એવું કાઈ પણ નહોતું બન્યું ત્યારની આ વાત છે. ભગવાને પૃથ્વી બનાવી, માણસોને બનાવ્યા, પ્રાણીઓ તેમજ પંખીઓને બનાવ્યાં અને કેમ જીવવું એ સમજાવ્યું. પરંતુ એ વખતે બધે અંધારું અંધારું જ હતું. ત્યારે નહોતો સૂરજ કે નહોતો ચાંદો ! અરે તારાઓ પણ નહોતા. એ વખતે ભગવાને માણસને અગ્નિ સળગાવતા શીખવાડી દીધું હતું. એટલે લોકો લાકડા સળગાવીને પોતાનો વ્યવહાર ચલાવતા. પરંતુ અંધારામાં લાકડા કાપવા, એને લઈ આવવા, અંધારામાં ખેતર ખેડવાં, પાણી ભરવું એ બધા કામમાં સૌને ખૂબ મુશ્કેલી પડતી. કેટલાય માણસો પાણી ભરતાં ભરતાં અંધારાને કારણે કૂવામાં પડી જતા. લાકડાં કાપતા કાપતા પોતાના પગ ઉપર જ કુહાડી મારી દેતા. ખેતર ખેડતા ખેડતા બાજુવાળાનું ખેતર ખેડી નાખતા. પોતાની ગાયને બદલે બીજાની ગાય દોહી નાખતા. કોઈકનાં છોકરાં કોઈકને ત્યાં સૂઈ જતાં.પછી અગ્નિ બરાબર સળગે ત્યારે બધાને પોતાની ભૂલનો ખ્યાલ આવતો !
આ બધી માથાકૂટથી કંટાળીને બધા ભગવાન પાસે ગયા અને કહ્યું, ‘પ્રભુ ! અમે આ અંધારાથી કંટાળી ગયા છીએ ! અમને આ લાકડાનો અગ્નિ નથી ફાવતો. અમને ખૂબ જ અજવાળું આપો. લાકડાના ઝાંખા પ્રકાશથી અમે બધા કંટાળી ગયા છીએ. અંધારાને લીધે અમને કાંઈ કામ કરવાનું મન નથી થતું અને બસ ઊંધ્યા જ કરીએ છીએ. એટલે હવે અમને એવું અને એટલું અજવાળું આપો કે અમે એની સામે પણ ન જોઈ શકીએ !’
ભગવાનને લોકોની વાત બરાબર લાગી. એમણે કહ્યું, ‘તથાસ્તુ!’ એની સાથે જ આકાશમાં સૂરજ આવી ગયો. એના ઝળાહળા પ્રકાશથી આખી પૃથ્વી પર અજવાળું અજવાળું થઈ ગયું. લાકડાં સળગે છે કે નહીં એનો હવે નજીકથી કોઈ જુએ તો જ ખ્યાલ આવતો. વળી કોઈ સૂરજ સામે તો જોઈ જ શકતું નહીં. હંમેશા અંધારામાં જ રહેવા બધા ટેવાયેલા હતા એટલે થોડા દિવસ તો કોઈ આંખો જ ન ખોલી શકયું. પછી ધીમે ધીમે બધાની આંખો ટેવવા માંડી. હિંમત કરીને બધા થોડી થોડી વાર આંખો ખુલ્લી રાખવા માંડયા. ફકત બિલાડી, ઘુવડ અને ચામાચીડિયું કયારેય આંખ ખોલવાની હિંમત ન કરી શકયાં. (એટલે આજે પણ એ લોકો સૂર્યપ્રકાશમાં બરાબર જોઈ શકતાં નથી.)
અંધકારને બદલે બધે પ્રકાશ પ્રકાશ થઈ જવાને લીધે લોકો ખૂબ ખુશ થઈ ગયા. હવે અજાણતા કોઈ ખાડામાં કે કૂવામાં પડી ન જતું. બીજાનું ખેતર ખેડવાની કે બીજાની ગાય-ભેંસ દોહી લેવાનું હવે ન બનતું. થોડોક વખત બધાને મજા આવી પરંતુ પછી બધા કંટાળી ગયા. ત્યારે આજની જેમ સૂરજ ઊગતો કે આથમતો નહોતો, પરંતુ આકાશમાં બરાબર માથા પર એમ ને એમ જ રહેતો. એના કારણે ધીમે ધીમે ગરમી વધવા માંડી. પાણીની નદીઓ અને તળાવો સુકાવા માંડયાં. લોકોને હવે પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું. વૃક્ષો, વેલા અને ફૂલ-છોડ મુરજાવા લાગ્યાં. ગરમી અસહ્ય બનવા માંડી. પંખીઓનાં નાનાં બચ્ચા માળામાં જ શેકાઈ જવા લાગ્યાં. ગરમીને લીધે માણસો નહોતા કામ કરી શકતા કે નહોતા સૂઈ શકતા. આટલા બધા પ્રકાશમાં સૂઈ જવું પણ અશ્ક્ય લાગતું. પૂરતી ઊંઘ નહીં મળવાથી બધા માંદા પડવા લાગ્યા. બધાના સ્વભાવ બગડી ગયા. એકબીજા સાથે બધા વાતે વાતે ઝઘડી પડતા. મારામારી કરી બેસતા ! અનાજના છોડ વહેલા સુકાઈ જવાથી અનાજની તંગી ઊભી થવા લાગી. બધા મૂંઝાયા.
ફરીથી બધા ભેગા થઈને ભગવાન પાસે ગયા. હાથ જોડીને બધા બોલ્યા, ‘પ્રભુ ! ફકત પ્રકાશ હોય એની પણ મજા નથી આવતી. આટલો બધો પ્રકાશ પણ અમે સહન નથી કરી શક્તા. પહેલા અમે અંધારાને લીધે કામ નહોતા કરી શકતા, હવે ખૂબ પ્રકાશને લીધી નથી કરી શકતા. સૂરજ આટલો નજીક છે એટલે આવું થતું હશે, તમે અમને સૂરજને દૂર ગોઠવી આપો !’ ભગવાન ધીમું હસ્યા. પછી બોલ્યા, ‘તથાસ્તુ ! ભલે, તમારી ઈચ્છા મુજબ થશે !’ અને એમણે સૂરજને દૂર દૂર એક નાનકડો તારો બનાવીને ગોઠવી દીધો. લોકોએ રાહતનો દમ ખેંચ્યો. લોકો બોલી ઊઠયા, ‘હાશ ! આ ઠીક થયું ! ગરમીથી અને પ્રકાશથી કંટાળી ગયા હતા !’
બધા એવા થાકી ગયા હતા કે ઘણો વખત સુધી બધાએ ઊંધ્યા જ કર્યું. પૂરતી ઊંઘ મળી એટલે બધાની ચીડ પણ ઓછી થઈ. થોડા સમયમાં બધા પ્રફુલ્લિત બની ગયા, પરંતુ એ બધું થોડાક સમય માટે જ ! પછી ફરી પાછો બધાને પેલો અંધકાર ખટકવા લાગ્યો. જો કે હવે દૂર દૂર આકાશમાં એક તારો જરૂર દેખાતો હતો, પરંતુ એટલે દૂરથી એક જ તારો વળી કેટલો પ્રકાશ કે કેટલું અજવાળું આપી શકે ? હા ! એનાથી લોકો અંધારામાં પણ પોતાની દિશા નક્કી કરી શકતા તેમ છતાં અંધારું તો એમને હેરાન કરતું જ. ફરીથી બધા ઊપડયા ભગવાન પાસે અને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ‘ભગવાન ! આ એક જ તારાથી કોઈ અર્થ નથી સરતો, આવા ઘણા બધા તારા બનાવી આપો !’
મંદ મંદ હસતા ભગવાને કહ્યું, ‘તથાસ્તુ ! જાવ ! એમ જ થશે !’ અને આખું આકાશ નાનામોટા અનેક સિતારાઓથી ભરાઈ ગયું. હવે ખૂબ ગાઢું અંધારું ન લાગતું. લોકો નક્ષત્ર વિશે શીખવા માંડયા. થોડા દિવસ સૌને આકાશમાં અગણિત તારાઓ જોવાની મજા પડી ગઈ. લોકોની ડોક દુઃખી જાય ત્યાં સુધી આકાશ સામે જોઈ રહેતા. વળી કેટલાય તો દિવસો સુધી ખાટલો પાથરીને પડયા રહેતા, પરંતુ એ બધું માત્ર થોડા દિવસ જ ! બધા એકવાર સૂરજના અજવાળાને સ્વાદ ચાખી ચૂકયા હતા એટલે હજુ એમને બરાબર મજા નહોતી જ આવતી. અંધારું હજુ એમને બરાબરનું ખટકતું હતું. એટલે ફરી એક વાર એ બધા ભગવાન પાસે ગયા અને કહ્યું, ‘પ્રભુ ! તમે ખૂબ જ દયાળુ છો. અમને તારાઓથી પૂરો સંતોષ છે, પણ હજુ અંધારું તો લાગે જ છે. અમને સૂરજથી ઓછું અને તારાથી વધારે તેજસ્વી હોય એવું કાંઈક બનાવી આપોને !’
ભગવાને ફરી એક વખત ‘તથાસ્તુ’ કહ્યું અને આકાશમાં ચંદ્ર ગોઠવાઈ ગયો. લોકો ખુશ થઈ ગયા. હવે એ લોકો પહેલાં કરતા વધારે દૂર સુધી જોઈ શકતા હતા. ચંદ્રનો પ્રકાશ દઝાડે એવો પણ નહોતો. શીતળતા તો એવી જ લાગતી જે ચંદ્રના આવ્યા પહેલા હતી. એટલે લોકોને મજા આવી ગઈ. પરંતુ વળી પાછી એક તકલીફ થઈ ! ચંદ્રના આવવાના કારણે તારા નિસ્તેજ બની ગયા હતા. લોકોએ તારા ભરી રાતોની સુંદરતા જોઈ લીધી હતી, એટલે એ આમ સાવ જતા રહે એ પણ એમને નહોતું ગમતું !
હિંમત કરીને બધા એક વખત ભગવાન પાસે ગયા અને બોલ્યા, પ્રભુ ! અમને એવું લાગે છે કે અમને સૂરજ ગમે છે, ચંદ્ર ગમે છે અને તારાઓ પણ ગમે છે. અમે હવે આમાંથી કોઈ એકની પસંદગી નથી કરી શકતા. એટલે તમે જ અમારી મૂંઝવણ દૂર કરો. એ બધાને એવી રીતે ગોઠવી આપો કે અમને સારું પડે અને કોઈ જાતનો ગૂંચવાડો પણ ન થાય !’
ભગવાન હસી પડયા. આ વખતે તથાસ્તુ કહેવાને બદલે બોલ્યા કે, ‘ભલે એમ થશે ! પણ સાંભળો ! હવે પછી હું જે કરીશ, આ પ્રકાશ અંધારાની વ્યવસ્થા જે રીતે ગોઠવીશ એમાં પછી કોઈ જાતનો ફેરફાર નહીં થઈ શકે. હવે હું જે કરીશ તે અંતિમ નિર્ણય ગણાશે. એમાં તમારી આવતી કોઈ પેઢી પણ ફેરફાર નહીં કરી શકે. કદાચ જો કોઈ એવી માંગણી કરશે તો એવો ફેરફાર કરી આપવામાં પણ નહીં આવે, બોલો છે મંજૂર ?’ ઘડીક એકબીજા સામે જોઈને બોલ્યા, ‘હા ભગવાન ! અમને મંજૂર છે !’ હવે ભગવાન બોલ્યા, ‘તથાસ્તુ !’
પછી ભગવાને આકાશમાં સૂર્ય આવે, ચંદ્ર આવે અને તારાઓ પણ રહે એવું ગોઠવી આપ્યું. સૂર્ય આકાશમાં આવે એને લોકો દિવસ કહેવા માંડયા અને બાકીના સમયને રાત કહેવા લાગ્યા. રાત્રિના ચંદ્ર પણ રહે અને ધીમે ધીમે એ નાનો મોટો થતો જાય એવું ગોઠવ્યું જેથી લોકો તારાની મજા માણી શકે. ચંદ્ર આખો હોય અને ફકત તારાઓ જ હોય. એને લોકોએ અમાસનું નામ આપી દીધું. ભગવાનનું ગોઠવેલું આ બધું હતું અને એ અંતિમ નિર્ણય હતો એટલે કોઈને ફરિયાદ રહી નહોતી. બધા સુખચેનથી રહેવા લાગ્યા. આજે રાત-દિવસ ચંદ્ર અને સૂરજ તેમજ તારાઓ જેમ છે એમ બધું હંમેશ માટે ગોઠવાઈ ગયું !

પ્રાર્થના

પ્રાર્થના – 

પ્ર. ચી. પરીખ

ગુલ આતમનાં અમ ખીલવવા,
જગ બાગ મનોરમ મ્હોરવવા;
મૃદ રંગ સુગંધિત રેલવવા,
બલ દે પ્રભુ ! સૌરભ દે અમને.
દઢ સંયમના તટમાં તરતી,
અમ જીવનની સરિતા સરતી;
જગ-સાગરમાં ભળવા ધપતી,
બલ દે પ્રભુ ! ગૌરવ દે અમને.
હૃદયે જગ- કૃંદનને ભરવા,
પ્રણયે જગ- ઘર્ષણ હોલવવા,
શિવ સર્જનના પથ તે બઢવા,
બલ દે પ્રભુ ! પૌરુષ દે અમને.
ગળવા ગરલો વ્યથતાં જગને,
અમૃત ઝરતાં દિલ દે અમને.

Friday 2 May 2014

રિચાર્જ

રિચાર્જ – અનિલ ભટ્ટ


પૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’
‘હા, બેટા.’
‘અરે કહું છું, સાંભળો છો ? ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો !
અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો !’
‘જી, મેડમ !’
રિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે ?
કેટલાનું રિચાર્જ કરાવ્યું ? ક્યારે રિચાર્જ કરવાનું છે ? હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું !’
…. સતત આવા શબ્દો સાંભળવા મળે છે. આપણને મોબાઈલ રિચાર્જ કરવાનું યાદ આવે છે !
પણ તમે રિચાર્જ થયા ? ક્યારે થશો ?
પોતાની જાતને પણ રિચાર્જ કરવી અત્યંત જરૂરી છે, દોસ્તો !
જે આપણે સાવ ભૂલી ગયા છીએ !
આપણું રિચાર્જ આપણા જ હાથમાં છે !
છતાં આપણને ‘આપણને’ રિચાર્જ કરવાનું યાદ આવતું નથી !
હું જીવંત છું ‘અનિલ’, કારણ કે રિચાર્જ થાઉં છું,
મોર્નિંગ વૉકથી, કવિતા વાર્તા લખવાથી
અને વાંચવાથી અને ખાસ ‘પ્રયત્ન’ સતત પ્રગટ કરતા રહેવાથી,
મનગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે સમયને ચોરતા ક્યારે શીખશો ! ને ક્યારે રીચાર્જ થશો ???!!

An Endless Topic….. અને હું…. – જિગર જોષી ‘પ્રેમ’

An Endless Topic….. અને હું…. – જિગર જોષી ‘પ્રેમ’


Image (10) (640x445)
[1]
કાશ, એવી કોઈ સવાર મળે,
નાભિમાંથી જ ૐકાર મળે.
સુખ મળે રોજ ને અપાર મળે,
સૌને બેહદ જીવનમાં પ્યાર મળે.
કાઠિયાવાડ આવો, કહેજો પછી,
કેવો મીઠેરો આવકાર મળે.
જ્યારે આવે છે તારું સ્વપ્ન મને,
મ્હેકથી તરબતર સવાર મળે.
વિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા ‘જિગર’
શખ્સ એકાદ ચાહનાર મળે.
[2]
નથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી,
હવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી.
કે જ્યારે થાય તને મન તું પથ્થરો ફેંકે,
આ જિંદગી છે ભલા જિંદગી, તળાવ નથી.
એ મોઢામોઢ કહી દેશે વાત કોઈ પણ
છુપાવે સત્ય, અરીસાનો એ સ્વભાવ નથી.
પહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઈ,
સફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી.
ખલેલ જે -જે હતી જિંદગીમાં, સર્વ ગઈ,
હવે તો શ્વાસની પણ કોઈ આવજાવ નથી.

accept it every student need a teacher like him !!


Saturday 26 April 2014

માળો – જતીન મારૂ

માળો – જતીન મારૂ


હિંડોળા ના લયબદ્ધ કિચૂડાટ ના ધ્વનિ વચ્ચે અચાનક જ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ ના ડંકા થી જાણે લયભંગ થયો હોય એમ વિનોદરાયે જરા ઝબકીને ભીંત તરફ જોયું. ઘડિયાળ ના બે કાંટા ભેગા થઇ ને રાત્રી ના બાર વાગ્યા નો સમય બતાવતા હતા. પગ ની હળવી ઠેંસ થી હિંડોળો થોભાવીને વિનોદ રાય ઉભા થયા, સાથે જ લેમ્પ ના આછા અજવાળાં માં એક કાળી આકૃતિ પડછાયા રૂપે સામે ની દીવાલ પર ઉપસી આવી અને એ પડછાયો ધીરે ધીરે પાણીયારા સુધી લંબાયો. થોડુક પાણી પી ને વિનોદ રાય પાછા હિંડોળા પર આવીને બેસી ગયા.
વૃદ્ધાવસ્થા માં માણસ ની ઊંઘ આમેય ઘટી જાય છે પરંતુ આજ ના એમના આ અજંપા નું કારણ કંઇક જુદું જ હતું.વિનોદરાય મૂળેય સમય સામે ઝઝૂમી જનાર માણસ હતા.સમય સામે હારવાનું કે થાકવાનું એમના સ્વભાવ માં જ ન હતું, પરંતુ જીવન ની ઢળતી સંધ્યા એ ઘર પ્રત્યે નો એમનો તીવ્ર અનુરાગ એમની નબળાઈ બની ગયો હતો. ‘ઘર’ કે જેને તેમણે સપના માં સેવ્યું હતું અને પછી દિવસ રાત મહેનત કરીને, જેમ પંખી એક એક તણખલું એકઠું કરીને માળો બનાવે એમ વસાવ્યું હતું.
વિનોદ રાયે હિંચકતા હિંચકતા એક મમતા ભરી નજર ઓરડા ના ખૂણે ખૂણા માં ફેરવી લીધી. ભીંત પર લટકતી એન્ટીક ઘડિયાળ, બારી ઉપર ના ભાગ માં ટીંગાતું ચકલી અને તેના બચ્ચા સહીત ના માળા નું ચિત્ર, છત પર લટકતા કાંચ ના ઝુમ્મર, ખૂણામાં ગોઠવેલ નકશીદાર ફ્રેમ વાળો અરીસો, ભીંત ને અઢેલી ને વિશાળ મેજ, લાકડા ની કોતરકામ વાળી ખુરશી. એક એક વસ્તુ કેટલી ચીવટ થી પસંદ કરીને આણેલી હતી! દરેકે દરેક ચીજ સાથે ભરપુર સ્મૃતિઓ જોડાયેલી હતી.
વિનોદરાય હિંડોળા પર થી ઉતરીને ધીમા પગલે મેજ પાસે ગયા,એક ખાનું ખોલીને જૂની ડાયરી કાઢી અને પીળા પડેલા પૃષ્ઠો ઉથલાવીને વાંચવાનું શરૂ કર્યું…. “ આજે વિશ્રામવિલા માં પહેલો દિવસ છે, આ મકાન ની ચાર દીવાલો વચ્ચે ઘર વસાવવા જઈ રહ્યો છું…” ગૃહ પ્રવેશ ના દિવસે જ
પોતે ડાયરી માં ટપકાવેલ એ લખાણ ને વિનોદરાય ભાવાવેશ માં આગળ ના વાંચી શક્યા, બસ ડાયરી ના પૃષ્ઠ ને એને છાતી સરસું ચાપી દીધું. કોણ જાણે કેમ આજે એમને ડાયરી હંમેશ કરતા વધુ વહાલી લાગી. ઝભ્ભા ની બાંય થી આંખ ના ભીના ખુણા લુછી ને એમણે ડાયરી ના વધુ થોડાં પાનાં ફેરવ્યા…
“આનંદ ના આગમન થી અમારા માળા માં જાણે ટહુકો ઉગ્યો છે,પાર્વતી એ ખરેખર માળા ને ગુંજતો કરી દીધો છે….” પાર્વતી શબ્દ નજરે પડતા જ વિનોદરાય ની નજર મેજ પર પોતાની સ્વર્ગસ્થ પત્ની ના ફોટા વાળી ફ્રેમ ને શોધવા લાગી,પરંતુ પછી યાદ આવ્યું કે એ ફ્રેમ તો એમણે પોતાના સામાન સાથે જ પેક કરી દીધી છે. સહેજ નિરાશા સાથે તેમની નજર ત્યાં થી પાછી ફરી. પોતાના પુત્ર આનંદ ના જન્મ વખતે ની એ ટાચણ હતી. એ સાથે જ એમણે તે પૃષ્ઠ પર આંગળી ના ટેરવા ફેરવીને લખાણ માં કેદ એ ક્ષણો ને સ્પર્શવાનો પ્રયાસ કર્યો અને બીજી જ ક્ષણે પીળા જર્જરિત પૃષ્ઠો તરડાઈ જવાના ડર થી પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
થોડા વધુ પાનાં ઉથલાવતાં એમના હાથ કંપવા લાગ્યા. કાળા અક્ષરો માં લખાયેલી એ નોંધ વાંચતા એમના ગળે ડૂમો બાઝી ગયો… “અલવિદા પ્રિયે….તારા સંચાર થી જેનો ખૂણે ખૂણો ધબકતો હતો એવું વિશ્રામવિલા આજે તારી વિદાય થી જડ બની ગયું છે….અને સાથે મારું જીવન પણ!” ડાયરી નું એ પાનું વિનોદરાય ની જાણ બહાર જ ભીનું થઈ ગયું. પરંતુ આ વખતે તેમણે એ સરવાણી ને ઝભ્ભા વતી લુછવાનો યત્ન ના કર્યો. ડાયરી ને બંધ કરીને ચુપચાપ ખાના માં મૂકી દીધી. પછી રાત્રી ને અંધકાર માં પણ ઘર નો ખુણેખૂણો ફરી વળ્યા. ઘર છોડતા પહેલા તેઓ આ ઘર ને ધરાઈ ધરાઈ ને જોઈ લેવા માંગતા હતા, શ્વસી લેવા માગતા હતા. સવાર પડતા ની સાથે જ એમની જિંદગી માં રાત પડવાની હતી.એમનું વહાલસોયું ઘર કે જે માત્ર ઈંટ પત્થર નુ માળખુ નહિ પણ એમની જીવનસંગીની નું સ્મૃતિસ્થાન બની ગયું હતું તે છૂટી જવાનું હતું, સદા ને માટે!
શહેર માં સ્થાયી થયેલો તેમનો એક નો એક પુત્ર આનંદ અને એની પત્ની એવું ઈચ્છતા હતા કે બાપુજી પણ શહેર માં આવીને તેઓ ની સાથે રહે. વળી ગામ ના આ મકાન ને કોઈ પાર્ટી સારી કીમતે ખરીદવા તત્પર પણ હતી. પછી વિચાર શું કરવાનો હોય? ઘણી આનાકાની બાદ વિનોદરાય ને પુત્રહઠ પાસે ઝૂકી જવું પડ્યું.પણ પોતાના સુખ દુઃખ ના સાથી એવા આ ઘર ને છોડતા એમનો જીવ કપાતો હતો. વિચાર માં ને વિચાર માં ક્યારે ઊંઘ આવી ગઈ એનું વિનોદરાય ને ધ્યાન જ ના રહ્યું.ખટારા ની ઘરઘરાટી થી જયારે તેમની આંખ ખુલી ત્યારે ખબર પડી કે આનંદ એમને લેવા માટે આવી પહોંચ્યો હતો. “ચાલો…ચાલો…ફટાફટ કરો, પેલો મોટો કબાટ ઉપાડી ને ગાડી માં ચડાવી ધો,પછી પેલું મેજ અને પછી….” આવતા ની સાથે જ આનંદે ઉતાવળા થઇ ને ખટારા ના ડ્રાયવર અને સાથે આવેલા બીજા મજુરો ને સુચના આપવા માંડી.
વિનોદરાય તૈયાર થઇ ને ઓસરી માં આવ્યા. તેમની નજર છત ના ખુણા માં ચકલી એ બાંધેલા માળા તરફ ગઈ. માળો શાંત હતો…કદાચ ચકલી એના નવું નવું ઉડતા શીખેલા બચ્ચાઓ સાથે આજે વહેલી જ ઉડી ગઈ હતી. માળા માં ખાલી સુનકાર ફરફરતો હતો. ફળિયામાં વાવેલા ઝાડ પાન ને પાણી પીવડાવતા એમના મન માં વિચાર ઝબકી ગયો કે હવે પછી આ મૂંગા ઝાડવા ને પાણી કોણ પીવડાવશે? એક ઊંડો નિશ્વાસ એમના થી નખાઈ ગયો. થોડો થાક લાગ્યો હતો એટલે ઓટલા પર બેસી ગયાં.
“ચાલો, બાપુજી બધો સામાન ખટારા માં ગોઠવાઈ ગયો છે. તમે મારી સાથે ગાડી માં બેસી જાઓ એટલે આપણે નીકળીએ. આપણે હજી લાંબો પંથ કાપવાનો છે.” આનંદ બોલ્યો.
“ જવું તો છે જ બેટા..પછી આટલી ઉતાવળ શીદ ને ? ઘડીક આ ઓટલે થાક ખાઈ લેવા દે, પછી તો આ બેઠક કોણ જાણે ક્યારે નસીબ થશે!” બોલતા બોલતા વિનોદરાય થોડા વધુ આરામપ્રદ સ્થિતિ માં ગોઠવાઈ ગયા અને ટેકો લેવા માથું દીવાલ પર ટેકવ્યું અને રાહત અનુભવતા હોય એમ આંખો મીંચી ને બેસી રહ્યા.
આનંદ અકળાયો પણ કઈ બોલ્યો નહિ. થોડી વાર સુધી વિનોદ રાય ઉઠ્યા નહિ એટલે અંતે ધીરજ ખોઈ ને ફરી થી બાપુજી ને ઢંઢોળ્યા
“બાપુજી..ઓ! બાપુજી! હવે ચાલો ને મોડું થાય છે.” વિનોદ રાય મૌન જ રહ્યા..!
“બાપુજી…ચાલો ને હવે” આનંદે વિનોદરાય ને હાથ પકડી ને હલબલાવ્યા…પણ એમની મીંચાયેલી આંખો ના ખુલી તે ના જ ખુલી, તેમના ચહેરા પર રાહત ની રેખા ઓ અંકાઈ ગઈ!
“ ટ્રીન…ટ્રીન..!” આનંદ ના ખીસ્સા માં ફોન રણકી ઉઠ્યો, સ્ક્રીન પર દેખાતો નંબર એની પત્ની નો હતો. આનંદે ફોન ઉપાડ્યો “ હેલ્લો”.
“ હેલ્લો! આનંદ.” સામે છેડે થી અવાજ આવ્યો
“ સામાન ભરાઈ ગયો…? બાપુજી એ મકાન ખાલી કર્યું?”
“ હા, બાપુજી એ ઘર છોડી દીધું….” બોલતા બોલતા આનંદનો અવાજ ફાટી ગયો

પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી

પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી

[ કવિ-ગઝલકાર શ્રી જાતુષભાઈ જોશીની અત્યંત સુંદર ગઝલોના પુસ્તક ‘પશ્યંતીની પેલે પાર...’ માંથી કેટલીક કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ જાતુષભાઈનો (વઢવાણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824551651 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલના અંતે આપવામાં આવી છે.]
[1]
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.
કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.
આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.
આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફક્ત વિસ્તાર છે.
શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.
[2]
તું નર્યા આનંદની કરજે સખાવત,
એક પળમાં થઈ જશે એની ઈબાદત.
આ તરફ, પેલી તરફ ખેંચી રહ્યાં છે,
બે ધ્રુવોની અધવચાળે હું યથાવત.
તેજ છોડીને પ્રવેશું હું તમસમાં,
ઝરમરે ત્યાં એ જ, કોઈ ક્યાં તફાવત ?
આ સમયની સાદડી સંકેલ, સાધુ;
શેષ ના રે’શે કશું આગત-અનાગત.
આ જગત પણ ગીત જેવું થઈ જવાનું,
છોડ સઘળાં સાજ ને સાંભળ અનાહત.
[3]
જે હતા તે ફક્ત પરપોટા હતા,
ટૂંકમાં, આંસુ બધા ખોટા હતા.
કાં હવા મારા તરફ આવી નહીં ?
હાથમાં મારાય ગલગોટા હતા.
સાવ કંટાળી પ્રભુ પથ્થર થયો,
દુઃખ એનાં કેટલાં મોટાં હતાં.
સુખ અને દુઃખને તપાસ્યાં તો થયું,
એક મનના બે અલગ ફોટા હતા.
માપવા બેઠો અને માપી લીધા,
જે બધાના નામ મસમોટાં હતાં.